કામરેજનાં ખોલવડમાં ટાઇટલ ક્લિયર ન હોવા છતા અને વર્ષો પહેલા અન્યને વેચી મારી હતી એવી વિવાદીત જમીન ઉપર નવા શાનદાર પ્રોજેક્ટના સપના બતાવી અમદાવાદની પતંગ હોટલનાં માલિક અને બિલ્ડર ઉમંગ ઠક્કર અને તેના બે પુત્રો વિરૂદ્ધ 1,56 કરોડ પડાવી લેવાના મામલે ધરપકડ બાદ ઉમંગ ઠક્કર સાથે કામરેજ પોલીસ અમદાવાદ તેના ઘરે પહોંચી હતી. પોલીસ દ્વારા બંને પુત્રોની શોધખોળ અને કૌભાંડ સંદર્ભે દસ્તાવેજો ખંગોળવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતનાં ફરિયાદી પુષ્પકભાઇ દિનેશભાઇ પટેલ સહિત 16 જેટલા લોકોએ કામરેજના ખોલવડ ગામની સીમમાં સહજાનંદ નિર્વાણા નામનાં પ્લોટિંગ પ્રોજેક્ટમાં પ્લોટોનું બુકીંગ કરાવી 1.56 કરોડનું રોકાણ કરાવ્યું હતું. આ જમીન અગાઉ અન્યે કોઇને વેચાણ દસ્તાવેજ કરી દીધો હોવા છતા પણ પ્રોજેક્ટનાં માલિક ઉમંગ હરી ઠક્કર, તેમનાં પુત્રો નિલ અને કંઠ ઉમંગ ઠક્કરે પૈસા લઈ ઠગાઈ આચરી હતી. લોકોને કૌભાંધની ગંધ આવી જતાં પિતા-પુત્રોએ પ્લોટનાં દસ્તાવેજ કે રૂપિયા પરત નહીં આપતા મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્રણ મહિના પછી કામરેજ પોલીસે કૌભાંડી ઉમંગ ઠક્કરને સુરત રેલ્વે સ્ટેશનેથી ઝડપી લઈ તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
