સાંધીએર : ધી પુરુષોત્તમ ફાર્મર્સ કો.ઓ.કોટન જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી, જહાંગીરપુરાની 92મી વાર્ષિક સામાન્ય સભા ઓલપાડ જીન ખાતે ધારાસભ્ય મુકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સભામાં એજન્ડા મુજબના તમામ કામોની સર્વાનુમતે મંજૂરી બાદ 20 ટકા ડિવિડન્ડ જાહેર કરાયું હતું. વરિયાવના ખેડૂત સભાસદની દીકરી સાહિદા સુલેમાને ધી પુરુષોત્તમ ફાર્મર્સ મંડળીના વિષય ઉપર રિસર્ચ કરી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. આ સભામાં સાહિદાનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ મનહર પટેલે વાર્ષિક અહેવાલ તથા હિસાબનું વાંચન કરતાં કહ્યું હતું કે, આ સંસ્થામાં હાલ 4,119 સભાસદ છે અને સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર રૂ. 380.23 કરોડ છે. રૂ. 13.63 લાખ ચોખ્ખો નફો મળતા સંસ્થાએ ઓડિટ વર્ગ-અ મળવ્યો છે. ઓલપાડ સેન્ટરની નવી ઓફિસના ઉદ્ઘાટન સમયે સહકારી અગ્રણી સ્વ. પ્રમોદલાલ કનૈયાલાલ દેસાઇનું સ્ટેચ્યૂ મૂકી અનાવરણ કરવામાં આવશે. આ સભામાં મંડળીના સભાસદો, ડિરેક્ટરો, સાયણ સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશભાઇ પટેલ સહિત સહકારી અગ્રણીઓ હાજર રહ્યા હતાં. આભારવિધિ સંસ્થાના ઉપપ્રમુખ અંકુર પટેલે કરી હતી.
