11

ગાંધી જયંતી નિમિતે કીમ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન સરપંચ પ્રવિણ પટેલની અધ્યક્ષતામાં કરાયું હતું. જેમાં ગ્રામજનોએ રસ્તા, ગટર, ટ્રાફિક જેવી પ્રમુખ સમસ્યાઓનાં નિકાલ માટે સરપંચને રજૂઆત કરી હતી.

ખાસ કરીને કીમ મધ્યમાં પાંચ નંબરનાં ઓવરબ્રિજ નીચેનો ગાળો સતત ટ્રાફિકથી પ્રભાવિત રહેતો હોવાથી આ બ્લોકમાં કાયમી રિક્ષા પાર્કિંગ, લારીઓનું દબાણ તથા અન્ય વાહનોનાં આડેધડ પાર્કિંગ હટાવવા રજૂઆત કરાઈ હતી. કીમ બજારનાં ઉપરોક્ત મુખ્ય ચાર રસ્તા પર અડચણરૂપ વાહનોનાં ખડકલાથી ટ્રાફિક જામ થવાની રોજીંદી સમસ્યા મામલે કીમ પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા સ્થાનિક પોલીસની બેદરકારી મામલે સભામાં પસ્તાળ પડી હતી. આમામલે સરપંચ પ્રવિણ પટેલે કીમ પોલીસને લગતી બાબતોની જાણ પોલીસને લેખિતમાં કરી બજારનાં ચાર રસ્તાને ટ્રાફિક મુક્ત કરવાની બાહેંધરી આપી હતી. અન્ય પ્રશ્નો પૈકી ઉપસ્થિત ગ્રામજનોએ તપોવન રોડ પર જર્જરિત થયેલા ડામર રોડની જગ્યાએ આર.સી.સી. રોડની માંગણી કરવામાં આવી હતી. જે મામલે કીમનાં સરપંચે પોતાનાં સાડા ચાર વર્ષનાં કાર્યકાળ દરમ્યાન કીમ વિસ્તારનાં કુલ 20 વોર્ડમાં પાણી, રસ્તા, ગટર સહિતનાં 18 કરોડ રૂપિયાથી વધુ વિકાસનાં કામો કર્યા હોવાનાં લેખાજોખા રજૂ કર્યા હતા. બાકીનાં અધૂરા કામો ઝડપભેર પૂર્ણ કરવાની ગ્રામજનોને ખાતરી આપી હતી. સંભવિત છેલ્લી ગ્રામસભામાં કીમનાં 20 વોર્ડનાં 20 પંચાયત સભ્યો પૈકી ડે.સરપંચ સહિત માત્ર પાંચ પંચાયત સભ્યોની હાજરી અને 15 જેટલા પંચાયત સભ્યોની ગેરહાજરીની લોકોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો