શહેરમાં સતત વરસાદી માહોલ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકાના વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ (VBDC) વિભાગે વિવિધ ઝોનમાં સઘન સર્વે અને ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. કામગીરી દરમિયાન ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી કુલ 3.75 લાખનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ગુરુવારે પાલિકા દ્વારા હાથ ધરાયેલી ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વે કામગીરીમાં 93,358 ઘરોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 3,27,694 સંભવિત મચ્છર બ્રીડિંગ સ્પોટ ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 1,972 સ્થળે મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા. તે પૈકી 1,672 સ્થળે મળેલા બ્રીડિંગનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરની 336 બાંધકામ સાઇટોની તપાસ દરમિયાન 474 બ્રીડિંગ સ્પોટનો નાશ કરવામાં આવ્યો હતો. નિયમોના ભંગબદલ 237 લોકોને નોટિસ ફ્ટકારવામાં આવી હતી. જેમાંથી 112 લોકો પાસેથી બાંધકામ સાઇટ પર ગંદકી બદલ 2.85 લાખ, ખુલ્લા પ્લોટ માટે 64 હજાર, કોમર્શિયલ મિલકતો માટે 18 હજાર અને ઇન્ટ્રાડોમેસ્ટિક કેસોમાં 8,500 સહિત કુલ 3.75 લાખનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
