સુરત માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ દુર્ઘટનાએ સરકારી કામકાજની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.ત્યારે રાજ્ય કક્ષાની વિવિધ એજન્સીઓએ સ્થળ પર પહોંચીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

કાટમાળમાંથી સિમેન્ટ, રેતી અને લોખંડના સેમ્પલ લીધા

FSL, વિજિલન્સ અને પોલીસ દુર્ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગરથી ખાસ વિજિલન્સની ટીમ તડકેશ્વર દોડી આવી છે. આ ટીમે ધ્વસ્ત થયેલી ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટ, રેતી અને લોખંડના સેમ્પલો લીધા છે. આ સેમ્પલોને લેબોરેટરીમાં મોકલવામાં આવશે જેથી ખબર પડી શકે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હતું કે કેમ? આ સાથે જ FSLની ટીમ અને માંડવીના DYSP એ પણ સ્થળની મુલાકાત લઈને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે.

સ્થળને કરાયું કોર્ડન

કોઈ પુરાવા સાથે છેડછાડ ન થાય અને જનતાની સુરક્ષા જળવાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ધરાશાયી થયેલી ટાંકીની આસપાસના વિસ્તારને ચારેબાજુથી કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થળ પર અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

5 લોકો સામે કાયદેસરની કાર્યવાહી

આ મામલે તંત્રએ કડક વલણ અપનાવતા અત્યાર સુધીમાં કુલ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત એન્જિનિયરોનો સમાવેશ થાય છે તેવું માનવામાં આવે છે. આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી જવાબદાર છે અને ભ્રષ્ટાચારના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે, તેની ઊંડી તપાસ ગાંધીનગર વિજિલન્સ દ્વારા કરવામાં આવી રહી છે. ગ્રામજનોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને કસૂરવારોને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Junagadh : CGST જૂનાગઢ ડિવિઝનની ટીમના દરોડા, પરશુરામ દયારામ જવેલર્સના શો રૂમ પર GSTનું સર્ચ