દક્ષિણ ગુજરાતની સહકારી રાજનીતિના પાવર હાઉસ ગણાતી સુમુલ ડેરીની આગામી ચૂંટણી પૂર્વે એક બહુ મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે. સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી માં જોડાયેલા કદાવર નેતા જયેશ દેલાડને લઈને એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરીની સત્તાવાર મતદાર યાદીમાંથી જયેશ દેલાડનું નામ રદ કરી દેવામાં આવ્યું છે. આ આકરા પગલા બાદ સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને આને એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.
'રાજકીય કાવાદાવા' ગણાવ્યા
મતદાર યાદીમાંથી નામ કપાતા જ પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાડે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સમગ્ર મામલાને વિરોધીઓ દ્વારા રચવામાં આવેલા 'રાજકીય કાવાદાવા' ગણાવ્યા છે. દેલાડે આક્ષેપ કર્યો છે કે, વહીવટી તંત્ર અને સત્તાધીશો દ્વારા લોકશાહીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની કે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવાની સાદી તક પણ આપવામાં આવી નથી. કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના લેવાયેલો આ નિર્ણય સંપૂર્ણપણે પક્ષપાતી અને એકતરફી છે.













