સુરત : નૂતન વર્ષની ઉજવણીમાં સુરતની આગવી ખાણીપીણીની પરંપરાનો રંગ પણ જોવા મળશે. બેસતા વર્ષના દિવસે તળ સુરતીઓ દરિયાઈ મેવાનો સ્વાદ માણીને શુકન કરશે. પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. માત્ર તળ સુરત જ નહીં, પરંતુ ડુમસ, મગદલ્લા, મોરભગવા, ઓલપાડ સહિતના દરિયાકાંઠાનાં ગામોમાં પણ નવા વર્ષના પ્રથમ દિવસે માછલીની વિવિધ વાનગીઓ આરોગવાનું વિશેષ મહત્ત્વ છે. બીજી તરફ્, શાકાહારી પરિવારોમાં ચોળીનું શાક અને ચોળીનાં ભજિયાં બનાવીને નવા વર્ષની શરૂઆત કરવાની પરંપરા છે. નૂતન વર્ષના દિવસે દરિયાઈ મેવો આરોગવો સુરતીઓ માટે માત્ર સ્વાદનો વિષય નથી, પરંતુ શુકન સાથે જોડાયેલી માન્યતા પણ છે. આ જ કારણે દિવાળીના પર્વ દરમિયાન જ દરિયાઈ મેવાની ખરીદીનું આયોજન શરૂ થઈ જાય છે. કેટલાક પરિવારો તો બેસતા વર્ષના ભોજન માટે બે-ત્રણ દિવસ અગાઉથી જ માછલીઓનો સ્ટોક કરી લે છે. તેમાં પણ પાપલેટ સૌથી વધુ પસંદગીની વાનગી હોવાથી તેની માગ વિશેષ રહે છે. પાપલેટ ઉપરાંત ડારો, હલવો, ચેલિયું અને સોંઢિયું જેવી માછલીઓની પણ ખરીદી કરવામાં આવે છે. સોમવારે ધોકાના દિવસે જ કોટ્સફ્લિ રોડ, નાનપુરા અને મોરાભાગળ સહિતના વિસ્તારોમાં ભરાતા સી-ફૂડ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. પરંપરાગત ઉજાણી માટે સામાન્ય દિવસોની સરખામણીએ ઊંચા ભાવ ચૂકવવા છતાં સ્વાદરસિયા સુરતીઓ ખરીદી કરતા અચકાતા નથી. દરિયાઈ મેવાની ખરીદીમાં પાપલેટની સાથે અન્ય માછલીઓની પણ માગ રહે છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક પરિવારોમાં પાપલેટને મશીનના કાંટા પર મૂકીને શુકન કરવાની પણ અનોખી પરંપરા છે. આમ, નવા વર્ષના પ્રથમ દિવસે એક તરફ્ તળ સુરતીઓની થાળીમાં દરિયાઈ મેવાની વાનગીઓ પીરસાશે, તો બીજી તરફ્ શાકાહારી પરિવારો ચોળીનું શાક અને ભજિયાંની ઉજાણી સાથે વર્ષોની પરંપરા જાળવી રાખશે. સુરતના નૂતન વર્ષની ઉજવણીમાં આ અનોખી ખાણીપીણીની પરંપરા આગવી ઓળખ બની રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો