રાતના અંધકારને ચીરીને ઊઠતા ધડાકા... બારીઓમાંથી બહાર ડોકિયું કરતાં ચિંતાતુર ચહેરાઓ... અને થોડી જ ક્ષણોમાં નજર સામે દેખાતી આગની વિકરાળ જ્વાળાઓ! દિવાળીના દિવસોમાં ફ્ટાકડાના અવાજો વચ્ચે ક્યારેક જોખમની સાચી ચેતવણી પણ ફ્ટાકડાના ભ્રમમાં ખોવાઈ જતી હોય છે. ભટાર રોડ પર બુધવારની વહેલી સવારે બનેલી ઘટનાએ આ જ હકીકતનો ભયાનક અહેસાસ કરાવ્યો. દિવસભરની દોડધામ, તહેવારની ખરીદી અને ઉજવણીના થાક બાદ શહેર ગાઢ નિદ્રામાં હતું. ઘડિયાળના કાંટા રાત્રિના લગભગ 2:30 વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. જલારામ આશિષ સોસાયટી કેમ્પસના સાંઇ નગર કોમ્પ્લેક્સમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે ધડાકા-ભડાકા સાથે આગે દેખા દીધી. શરૂઆતમાં દિવાળીના ફ્ટાકડા ફૂટતા હોવાનો ભ્રમ સર્જાયો, પરંતુ આગની જ્વાળાઓએ જોતજોતામાં જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે જોતાં જ ઊંઘમાં ગરકાવ વિસ્તારની ધડકનો તેજ બની ગઈ. આગ માત્ર ઇમારતના એક ભાગમાં સળગી રહી નહોતી, જાણે આખી રાત્રિની શાંતિને ભરખી જવા ઊઠેલી અગનજ્વાળાઓએ આસપાસના લોકોની નિદ્રા અને નિરાંત બંને છીનવી લીધાં હતાં. કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર સહિતનાં વાહનોની ભરચક હાજરીએ જોખમની ગંભીરતા અનેકગણી વધારી હતી. આગ જો વાહનો સુધી પ્રસરી હોત તો નુકસાનનો વ્યાપ કેટલો ભયાનક બની શક્યો હોત તેની કલ્પના જ કંપારી છોડાવે તેવી હતી. આફ્તની આ ઘડીએ સેન્ટ્રલાઇઝ્ડ ઇમરજન્સી નંબર 112 મારફ્તે ફાયરબ્રિગેડને જાણ કરાઈ. ફાયર ઓફ્સિર ગઢવી અને લાશ્કરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ સામે મોરચો સંભાળ્યો અને સમયસરની કામગીરીથી સ્થિતિ પર ઝડપભેર કાબૂ મેળવ્યો. સદનસીબે આ અગનપરીક્ષામાં કોઈ જાનહાનિ થઈ નહીં અને સંભવિત મોટી હોનારત ટળી ગઈ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો