ઓલપાડ પોલીસે નરથાણ ગામની સીમની સોસાયટીના ત્રણ બંધ મકાનમાંથી રૂ.48,200ની કિંમતના સામાનની ચોરી ગુનાના એક આરોપીને દબોચી લીધો છે.પોલીસે ચોરીના સામાન સહિત કુલ રૂ.58,200નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
નરથાણ ગામની સીમમાં આવેલી વૈષ્ણોદેવી વીલા સોસાયટીના ત્રણ બંધ મકાનમાંથી ગત તા.10 થી તા.17 મી ઓગસ્ટના રોજ રાત્રીના સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યો ચોર 42 નંગ નળ,કુકર નંગ-02,ઇલેકટ્રીક સગડી નંગ-01,તાંબાની કડાઇ નંગ-01,ઇલેકટ્રીક ટોર્ચ નંગ-01 મળી કુલ રૂપિયા 48,200 ની કિંમતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.આ બાબતે ઓલપાડ પોલીસ મથકમાં તા.18 ના રોજ ચોરીનો ગુનો નોંધાયો હતો.
જે ગુનાની તપાસ કરી રહેલ પોલીસે ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના સીસી.ટીવી ફુટેજ કબજે લઈ હ્યુમન સોર્સીસનો આધાર લીધો હતો.આ તપાસ દરમ્યાન પોલીસ મથકના ત્રણ અ.હે.કો.પૈકી અશોક ગણપત,મુકેશ જેરામ તથા જગદીશ ઠાકોરને સંયુકત બાતમી મળી હતી કે,આ ચોરી ગુનાનો એક આરોપી ચોરીનો સામાન કોથળામાં ભરીને વેચવા માટે દાંડી રોડ ઉપર નરથાણ ગામના પાટીયા પાસે ઉભો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે આ ચોરીની કબુલાત કરી તેનું નામ ચંદન બુબન સાહુ (ઉ.વ.35) હાલ રહેઃમકકાઈ પુલ માછલી માર્કેટ પાસે, નાનપુરા-સુરત શહેર (મુળ વતન જિ.પછીમ મેદીનીપુર-વેસ્ટ બંગાલ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે આરોપી પાસેથી ચોરીનો બધો સામાન ઉપરાંત 1 મોબાઇલ ફોન કિંમત રૂ.10,000 મળી કુલ રૂ.58,200નો મુદામાલ કબજે લઈ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ? તેની વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો