સુરત જિલ્લાનાં કીમ, કામરેજ, માંગરોળ ઉમરપાડા સહિતના પંથકમાં રવિવારે વિશ્વ આદિવાસી દિવસની ભારે ઉત્સાહ અને ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સમાજ દ્વારા ડુંગરાઆશ્રમશાળા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સમાજના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કીમ, ઉમરપાડા, માંગરોળ સહિતના વિસ્તારોમાં આદિવાસી સમુદાય દ્વારા રેલીઓ કાઢવામાં આવી હતી. સમાજનાં લોકોએ આદિવાસી ભાતિગળ વેશભૂષા સાથે સંગીતની સુરાવલી અને ડીજેના તાલે નાચગાન કરી ઉજવણી હતી. સમાજના આગેવાનોએ ભગવાન બિરસા મુંડાના બલિદાનને યાદ કરી વિકાસ પથ પર આગળ વધવા આહ્વાન કર્યુ હતું.