ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન પર ગેરકાયદે ખેડાણ અને દબાણનાં વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યુ છે. સાગબારા તાલુકાનાં લોકો દ્વારા ઉમરપાડા વિસ્તારની જંગલ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવવામાં આવી રહ્યો હોવાનાં ગંભીર આક્ષેપો ઉઠયા છે. આ મામલે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આશરે બે હજાર જેટલા આદિવાસીઓ એકઠા થયા હતા અને જંગલ બચાવો, આદિવાસી બચાવોનાં ગગનભેદી નારાઓ સાથે વિશાળ વિરોધ રેલી યોજી હતી. આ રેલી ઉમરપાડા મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યાં રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર સુપ્રત કરીને ન્યાયની માંગ કરી હતી. સ્થાનિક મહિલા અગ્રણી અને ખોટારામપુરાનાં સરપંચ ચંદનબેન વસાવાએ જણાવ્યું હતું કે સાગબારાનાં લોકો પોતાનાં વિસ્તારમાં પૂરતી જમીન ધરાવતા હોવા છતા ઉમરપાડાની સરહદમાં આવીને જંગલ જમીન દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સ્થાનિક લોકોને ડરાવી-ધમકાવી રહ્યા છે. સ્થાનિક વિસ્થાપિતોને હજુ તેમનાં હક અને અધિકારો મળવાનાં બાકી છે, ત્યારે બહારનાં લોકોની આવી દાદાગીરી કોઇપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. તાલુકા આદિવાસી અગ્રણી અને વડગામનાં સરપંચ જીવણભાઇ વસાવાએ જણાવ્યું હતું કે સાગબારાનાં અંદાજીત 12 જેટલા ગામોનાં લોકો ખોટા પુરાવા ઊભા કરીને સરકાર અને વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ લોકો ઉમરપાડાની અમૂલ્ય વન સંપત્તિ અને જમીન પર ગેરકાયદે પંજો ફેલાવવાની પેરવી કરી રહ્યા છે. જો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને ધરણાદર્શન કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો