સુરતના ઉધના વિસ્તારમાં થયેલા યુવકની હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 18 મે 2026ની રાત્રે ઉધના રોડ નંબર-6 નજીક બનેલી હત્યાની ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ ત્રણ માસ અગાઉ મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પેટ, કાન, ગાલ અને બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

મિત્રોને પણ ધમકી, ત્રણ આરોપીની ધરપકડ

હત્યાની ઘટનામાં વચ્ચે પડેલા મૃતકના મિત્રોને પણ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ કેસમાં મીલીંદ નવલ કોળી, શુભમ પાટીલ અને રોહિત સોનવણેની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે. મીલીંદ કોળી સામે હત્યાના પ્રયાસ, મારામારી અને પાસા સહિત ચાર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે શુભમ પાટીલ સામે બે અને રોહિત સોનવણે સામે એક ગુનો નોંધાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

બે આરોપી હજુ ફરાર, પોલીસની શોધખોળ ચાલુ

પોલીસે ખુલાસો કર્યો છે કે આ કેસમાં સંડોવાયેલા કિશન પરમાર અને પંકજ પાટીલ હજુ ફરાર છે. કિશન પરમાર સામે લૂંટ, પ્રોહિબિશન અને મારામારી સહિત કુલ 19 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પંકજ પાટીલ સામે પણ હત્યાનો ગુનો નોંધાયેલો છે. ઉધના પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો કામે લગાડી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો