સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં 96મું સફળ અંગદાન સંપન્ન થયું છે, જેમાં દેશમાં સૌપ્રથમવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે હૃદયને ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવાનો રેકોર્ડ સર્જાયો છે. કીમના પીપોદ્રામાં સંચા ખાતામાં કામ કરતા ઓડિશાના 36 વર્ષીય યુવકના લીવર, 2 કિડની અને હૃદયના દાનથી ચાર ગંભીર દર્દીઓને નવી જિંદગી મળી છે.

ગત તા.28મીએ મિથુન લક્ષ્મણભાઇ સ્વૈનને અચાનક પેરાલિસિસનો હુમલો આવતા સ્થિતિ ગંભીર થતાં સુરત સિવિલ હોસ્પિટલના ICUમાં ખસેડાયો હતો. જ્યાં ગુરૂવારે તબીબોની ટીમે તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક ઇકબાલ કડીવાલા અને કાઉન્સેલર નિર્મલા કાથુડેએ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. મિથુનભાઈના પત્ની અને ભાઈએ અંગદાન માટે મંજૂરી આપી હતી. જે બાદ શુક્રવારે વહેલી સવારે બે કિડની, લીવર અને હૃદયનું દાન કરવામાં આવ્યું હતું.IKDRC અમદાવાદની ટીમે 2 કિડની અને લીવર સ્વીકાર્યા હતા. જ્યારે હૃદયનેયુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ પહોંચાડવા માટે સુરત રેલ્વે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરાયો હતો. સિવિલથી સ્ટેશન સુધી ગ્રીન કોરિડોરમાં હૃદય ટ્રેન સુધી પહોંચાડાયું હતું. જે બાદ માત્ર અઢી જ કલાકમાં હૃદય સુરતથી અમદાવાદ સુરક્ષિત પહોંચાડી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. નવી સિવિલના અધિક્ષક ડૉ. પારૂલ વડગામા, નર્સિંગ સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા.