ડાયમંડ સિટી સુરતના લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાવવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોને પોલીસે કડક ભાષામાં પાઠ ભણાવ્યો છે. થોડા દિવસો પૂર્વે એક રીક્ષા ચાલક પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે.
સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા
લિંબાયત વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો વડે રીક્ષા ચાલક પર હુમલો કરી ફરાર થઈ ગયેલા શખ્સોને પકડવા પોલીસે સીસીટીવી ફૂટેજનો સહારો લીધો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે તમામ 6 આરોપીઓને દબોચી લીધા હતા. માત્ર જેલ ભેગા કરવાને બદલે, પોલીસે આ ગુનેગારોને જે-તે ઘટના સ્થળે લાવીને સમગ્ર ગુનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસનો કડક મિજાજ જોઈ હુમલો કરનારા શખ્સોની શાન ઠેકાણે આવી ગઈ હતી અને તેમની ચાલ પણ બદલાઈ ગયેલી જોવા મળી હતી.
આવારા તત્વોને પોલીસની કડક ચેતવણી
આ કાર્યવાહી દ્વારા લિંબાયત પોલીસે અસામાજિક તત્વોને કડક ચેતવણી આપી છે કે, "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો." જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવાનો મુખ્ય હેતુ સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો અને ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરવાનો છે. સ્થાનિક રહીશોએ પોલીસની આ કામગીરીને વધાવી લીધી છે. લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે જેથી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવી શકાય.










