સુરત શહેરમાં સરકારી સહાય અને આદિવાસી યોજનાઓના લાભ અપાવવાના બહાને ડોક્યુમેન્ટ્સ મેળવી મોટું ટેક્સ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઠગબાજોએ ગરીબ આદિવાસીઓના દસ્તાવેજોનો દુરુપયોગ કરી તેમના નામે બોગસ વેપારી પેઢીઓ ઊભી કરી હતી.


સરકારી યોજનાના નામે છેતરપિંડી

આ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ઉદયપુરના વતની એવા 14 જેટલા આદિવાસીઓના નામ 'રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા' (NFSA) ની યાદીમાંથી અચાનક કમી થઈ ગયા. જ્યારે આ લોકોએ તપાસ કરી તો ખબર પડી કે સરકારી ચોપડે તેમના નામે મોટી આવક અને બિઝનેસ ટર્નઓવર બતાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આ લોકો મજૂરી કામ કરતા હોવા છતાં તેમના નામે લાખો-કરોડોના આર્થિક વ્યવહારો ધરાવતી પેઢીઓ ચાલતી હતી.

ઠગબાજોની મોડસ ઓપરેન્ડી

આ કૌભાંડમાં હિતેશ જૈન અને હરિસિંહ શેખાવત નામના શખ્સોની સંડોવણી બહાર આવી છે. આરોપીઓએ આદિવાસીઓને સરકારી યોજનાના લાભની લાલચ આપી તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજો મેળવી લીધા હતા. આ દસ્તાવેજોના આધારે બોગસ પેઢીઓ બનાવી જીએસટી (GST) ચોરી અને ટેક્સ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

પોલીસ કાર્યવાહી

સુરતની પુણા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી હિતેશ જૈન અને હરિસિંહ શેખાવત સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડ કેટલા કરોડનું છે અને તેમાં અન્ય કેટલા સફેદપોશ શખ્સોની સંડોવણી છે.

આ પણ વાંચો:Dwarka: ધર્મનગરી દ્વારકામાં હોળીનો ઉત્સાહ, પવિત્ર અગ્નિની પરિક્રમા કરી ભક્તો સુખ-સમૃદ્ધિની કામના કરશે

  • Follow us on: