સુરતના ગોડાદરા વિસ્તારમાં વેપારીઓ વચ્ચેની આર્થિક લેતીદેતીએ હિંસક વળાંક લીધો છે. ટેક્સટાઇલ પેકેજિંગના ધંધા સાથે સંકળાયેલા એક વેપારીનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે, સુરત પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી ડીંડોલી વિસ્તારમાંથી વેપારીને હેમખેમ મુક્ત કરાવી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
વેપારીનું સ્કોર્પિયો કારમાં અપહરણ
મળતી માહિતી મુજબ, ફરિયાદી દીવાકર તિવારી અને મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ બંને ટેક્સટાઇલ પેકેજિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ધંધામાં લાંબા સમયથી રૂપિયાની લેતીદેતી બાબતે બંને વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. આ વિવાદનો ઉકેલ લાવવાને બદલે આરોપી પિયુષ અગ્રવાલે પોતાના સાગરીતો સાથે મળીને ગોડાદરા વિસ્તારમાંથી દીવાકર તિવારીનું સફેદ રંગની સ્કોર્પિયો કારમાં અપહરણ કર્યું હતું.










