સુરત : ભગવાન કૃષ્ણના જન્મોત્સવ એવા જન્માષ્ટમી પર્વની શુક્રવારે સુરત શહેરમાં ભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી થશે. કાનુડાના બાળસ્વરૂપના દર્શન અને તેને પારણે ઝુલાવવાની આતુરતા ભક્તોમાં જોવા મળી રહી છે. દિવસ દરમિયાન ઉપવાસ, ભજન-કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ રાત્રે જન્મોત્સવની ઘડીઓ નજીક આવતાં મંદિરોમાં ભક્તોની ભીડ વધશે. મધરાતે 12 વાગ્યાના ટકોરે 'નંદ ઘેર આનંદ ભયો'ના નાદ સાથે બાળકૃષ્ણને પારણે ઝુલાવવામાં આવશે જ્યોતિષીય ગણતરી મુજબ, શુક્રવારે રાત્રે 11.57થી 12.42 સુધી 45 મિનિટનો નિશીથકાળ રહેશે. આ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા, અભિષેક અને આરતી કરવામાં આવશે. વૈદિક ગણતરી મુજબ મધરાતનો સમય 12.20 વાગ્યે રહેશે. ધાર્મિક ગણતરી અનુસાર અષ્ટમી તિથિ રાત્રે 12.14 વાગ્યે પૂર્ણ થશે, રોહિણી નક્ષત્ર રાત્રે 11.05 વાગ્યે પૂર્ણ થવાનું હોવાથી અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ સર્જાશે.
