સુરતની સચિન GIDC પોલીસને એક મોટી સફળતા મળી છે. ઓડિશા રાજ્યમાં ચાર મહિના પહેલા થયેલી ₹3 કરોડની ચકચારી બેંક લૂંટનો મુખ્ય સૂત્રધાર અને વોન્ટેડ આરોપી રોશનકુમાર ઉર્ફે લડુ અખીલેશસીંગ સુરતના સચિન વિસ્તારમાંથી ઝડપાયો છે.

ઓળખ છુપાવી સુરતમાં લેતો હતો આશરો

મૂળ બિહારના અરવલ જિલ્લાનો વતની રોશનકુમાર લૂંટની ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. તે સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા શિવનગર ખાતે પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. પોલીસને બાતમી મળી હતી કે ઓડિશાની બેંક લૂંટનો વોન્ટેડ આરોપી સુરતમાં છુપાયો છે, જેના આધારે પોલીસે છટકું ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.

બંદૂકની અણીએ 3 કરોડની લૂંટ

ચાર મહિના પહેલા ઓડિશાના બરબીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ‘બેંક ઓફ મહારાષ્ટ્ર’માં આ ટોળકીએ ત્રાટકીને હિંસક લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ બેંકના સ્ટાફને બંદૂકની અણીએ બંધક બનાવી અંદાજે ₹3 કરોડની રોકડ અને કિંમતી સામાનની લૂંટ કરી હતી. આ કેસમાં ઓડિશા પોલીસે અન્ય આરોપીઓને અગાઉથી જ પકડી લીધા હતા, પરંતુ મુખ્ય સૂત્રધાર રોશનકુમાર હાથ આવતો નહોતો.

ઓડિશા પોલીસને સોંપવાની તજવીજ

સચિન GIDC પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કાયદાકીય પ્રક્રિયા બાદ ઓડિશાના બરબીલ પોલીસ સ્ટેશનને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસની આ સતર્કતાને કારણે આંતરરાજ્ય લૂંટનો આ મોટો મામલો થાળે પડ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી: 4.19 કરોડની કિંમતની 93 હજારથી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું