સુરત જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કીમ નદીના જળસ્તરમાં તીવ્ર વધારો થયો હતો. કીમ નદીના આ પ્રચંડ પ્રવાહ અને સતત વધી રહેલા દબાણને લીધે મોટા બોરસરા બ્રિજનું સાઇડ સોલ્ડરિંગ મોટા પાયે ધોવાઇ ગયું હતું. પુલની સુરક્ષા માટે તેની બંને બાજુએ કરવામાં આવેલું માટી અને પથ્થરનું પુરાણ પાણીના તેજ વહેણમાં ધોવાઈ જતા બ્રિજનું માળખું અત્યંત નબળું પડી ગયું છે. આ ગંભીર સ્થિતિના કારણે બ્રિજની કિનારીઓ પાયામાંથી જ જર્જરિત થઇ ગઇ છે, જે અહીંથી દિવસ-રાત પસાર થતા હજારો વાહન ચાલકો અને આસપાસના સ્થાનિક રહીશો માટે અત્યંત જોખમી સાબિત થઇ રહી છે. માટીનું ધોવાણ થતા ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવી ભયાનક સ્થિતિ નિર્માણ થવા પામી છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આ અંગે વ્યાપક ચિંતા જોવા મળી રહી છે. હાઇવે ઓથોરિટી કે સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતને ગંભીરતા નહીં લે અને તાત્કાલિક ધોરણે પથ્થરના પીચિંગ સાથે બ્રિજનું પાકુ મજબૂતીકરણ નહીં કરાવે અને જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો આખો બ્રિજ બેસી જવાની શક્યતા જણાય છે. જો આવું થશે તો આ વ્યસ્ત રસ્તો સંપૂર્ણપણે બંધ થઇ જશે અને વાહન વ્યવહાર ઠપ થઇ જશે. ચોમાસાની ચાલુ સિઝનમાં કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા વહીવટી તંત્ર જાગે અને આ દિશામાં વહેલી તકે કડક અને નક્કર પગલાં ભરે તેવી લોકોની પ્રબળ માંગ છે.
