સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં વધુ પડતા રિસાયેલા મેહુલિયાને મનાવવા તાલુકાના શેરડી ગામની ખેડૂત પટલાણીઓ જૂની પરંપરાગત મુજબ મેહુલિયો કાઢી મેદાનમાં ઉતરી હતી.


ચોમાસું સિઝન પ્રારંભમાં વિલંબ સાથે હિન્દુ શાસ્ત્રના જેઠ મહિનાના 15 દિવસ પૂર્ણ થવાના આરે છે, તેમ છતાં મેહુલિયાના રિસામણાના કારણે સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં હજુ સુધી ખેતીલાયક વરસાદનો પ્રારંભ થયો નથી. વરસાદના અભાવે ગામના કૂવાઓના ભૂગર્ભમાં પાણીનું સ્તર નીચું જવા ઉપરાંત ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામની સીમની કોતરો અને ખાડીઓમાં નીર સુકાયા છે. જેથી પાણીની સમસ્યા સર્જાતા પશુ-પક્ષીઓને પાણી માટે ભટકવું પડી રહ્યું છે. જ્યારે ખેડૂતોએ સમયસર વરસાદ આવશે તેવી આશાએ ચોમાસું ડાંગરનું ધરું સહિત ખેતરમાં લીલા પડવાશ માટે બિયારણની વાવણી પણ કરી દીધી છે. પરંતુ હજુ સુધી વરસાદ ન પડતા ડાંગરનું ધરું અને લીલા પડવાશનું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત આમ જનતાની લલાટે પરસેવા સાથે ચિંતાની લકીરો ઉપસતા ચિંતાના માહોલ વચ્ચે ઓલપાડ તાલુકાના શેરડી ગામની ખેડૂત પત્નીઓએે મેહુલિયાને મનાવવા ઘણા વર્ષો બાદ જૂની પરંપરા મુજબ કડવા લીમડાના પાનના જથ્થા સાથેનો પાટલો માથા ઉપર મૂકી ગામની અન્ય મહિલાઓે સાથે સમૂહમાં ગામમાં ઘરે-ઘરે ઘૂમી 'તું તો વરસીને ભરે રે તળાવ ઓ...મેહુલિયા, તારી કીડી-મંકોડી તરસે મરે' જેવા ગીતો ગાઈને મહાદેવજી તથા ઇન્દ્રદેવને પ્રાર્થના કરતી જોવા મળી રહી છે. ગામના પુરુષ ખેડૂતો અને વૃદ્ધ મહિલાઓએ મેહુલિયા ઉપર પાણી રેડી મહિલાઓને દક્ષિણા આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: