સુરત શહેરમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે સ્થિતિ એવી છે કે ભગવાનના મંદિરો પણ તસ્કરોની નજરથી સુરક્ષિત રહ્યા નથી. ડિંડોલી વિસ્તારમાં બનેલી એક ઘટનામાં એક તસ્કરે મંદિરમાં ઘૂસીને દાનપેટીની ચોરી કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે.

ભક્તિના ઓઠા હેઠળ ચોરી

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, ચોરી કરવા આવેલો ઇસમ મંદિરમાં પ્રવેશે છે. કોઈને શંકા ન જાય તે માટે તે અત્યંત શાંતિથી પહેલા ભગવાનને પગે લાગે છે, જાણે તે કોઈ શ્રદ્ધાળુ હોય. ભગવાનની માફી માંગતો હોય કે આશીર્વાદ લેતો હોય તેમ નતમસ્તક થયા બાદ, મોકો મળતા જ તે મંદિરની દાનપેટી ઉપાડીને પલાયન થઈ જાય છે.

પોલીસ કાર્યવાહી

આ ઘટનાને પગલે મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડિંડોલી પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં તસ્કરનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવાથી પોલીસે તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.

આ પણ વાંચો: Ahmedabad: વટવા GIDC રોડ પર ભયાનક અકસ્માત, બેકાબૂ કાર ઝાડ સાથે અથડાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત