સુરતના જિલ્લા સેવાસદન-2 માં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીમાં ભ્રષ્ટાચારનું નેટવર્ક સામે આવ્યું છે. સહકારી મંડળીના રજીસ્ટ્રેશનના બદલામાં લાંચની માંગણી કરનાર ઓડિટર, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ અને આઉટસોર્સ કર્મચારી હવે એસીબીની સકંજામાં છે.
લાંચ માંગતા બે અધિકારીઓ સહિત ત્રણ ઝડપાયા
ફરિયાદીએ પોતાની એક સહકારી મંડળીની નોંધણી કરાવવા માટે ઓનલાઇન અરજી કરી હતી. આ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી તેનું નોંધણી પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે આરોપીઓએ સૌપ્રથમ 25,000ની લાંચ માંગી હતી. જોકે, રકઝકના અંતે 20,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબીનું આયોજનબદ્ધ છટકું
એસીબીએ અડાજણ વિસ્તારમાં એક ખાણીપીણીના સ્થળે છટકું ગોઠવ્યું હતું. આ કેસમાં ભ્રષ્ટાચારની સાંકળ નીચે મુજબ જોવા મળી હતી.ઓડિટર ઘૂઘાભાઈ ગોહિલ તેમણે ફરિયાદીને ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટને મળવા જણાવ્યું હતું. ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ વારીસ અહમદ શેખ તેમણે ટેલિફોનિક વાતચીત કરી લાંચની રકમ સ્વીકારવા માટે મંજૂરી આપી હતી. કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરી ઉપરોક્ત બંને અધિકારીઓના ઈશારે કલ્પેશ ચૌધરી લાંચની રકમ લેવા માટે પહોંચ્યો હતો. જ્યારે કલ્પેશ ચૌધરીએ ફરિયાદી પાસેથી ₹20,000ની રોકડ રકમ સ્વીકારી, ત્યારે જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓ
1. ઘૂઘાભાઈ દુલાભાઈ ગોહિલ (ઓડિટર, વર્ગ-૩) 2. વારીસ અહમદ શેખ (ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ, વર્ગ-૩) 3. કલ્પેશ મુકેશ ચૌધરી (આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર) સુરત એસીબીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં વહીવટી પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ