સુરતના સારોલી વિસ્તારમાં એક યાર્ન વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના મામલે પોલીસે સરાહનીય કામગીરી કરી છે. વેપારી પાસેથી માલ ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયેલા પિતા-પુત્રની જોડીને સારોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રથી ઝડપી પાડી છે.
લાખો રૂપિયાની છેતરપિંડી
સારોલીના એક યાર્ન વેપારી પાસેથી આરોપીઓએ અંદાજે રૂપિયા 12.23 લાખની કિંમતનો 'પોલીસ્ટર ફિનિશ કાપડ'નો માલ ખરીદ્યો હતો. વર્ષોથી વેપાર કરીને વિશ્વાસ કેળવ્યા બાદ આ પિતા-પુત્રની જોડી પેમેન્ટ ચૂકવ્યા વિના જ રાતોરાત સંપર્ક વિહોણી થઈ ગઈ હતી. આ મામલે વેપારીએ સારોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસનું સફળ ઓપરેશન
ફરિયાદ નોંધાતા જ સારોલી પોલીસ એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીના આધારે આરોપીઓનું લોકેશન ટ્રેક કર્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મહારાષ્ટ્રમાંથી બે આરોપીઓ વીક્કી અશોકલાલ નાનવાની, અશોકલાલ શ્રીચંદ નાનવાની ધરપકડ કરી છે.
આગળની કાર્યવાહી
પોલીસ આ બંને આરોપીઓને સુરત લઈ આવી છે અને તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સફળતાથી કાપડ બજારના વેપારીઓમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ જોડીએ અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી છે કે કેમ.
આ પણ વાંચો: Jamnagar: ડિફેન્સ કોલોનીમાં ત્રણ સંતાનોની વિધવા માતાની નિર્મમ હત્યા, પડોશીના મકાનમાંથી મળ્યો મૃતદેહ