સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય બનેલી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમરોલી વિસ્તારમાં થયેલી ₹7.88 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપી સંજય જાદવને પોલીસે મોટા વરાછાના રંગોલી ચોકડી પાસેથી દબોચી લીધો છે.


 અમરોલીમાં લૂંટનો આરોપી ઝડપાયો

થોડા સમય અગાઉ અમરોલી વિસ્તારમાં કેશ કલેક્શનનું કામ કરતા ફરિયાદીને નિશાન બનાવવામાં આવ્યા હતા. લૂંટારુઓએ ફરિયાદીને આંતરી, તેમના પર ચાકુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો અને તેમની પાસે રહેલા ₹7,88,800ની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

'ટીપર'ની ભૂમિકા અને ધરપકડ

આ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જોકે, આ આખી લૂંટનો પ્લાન ઘડનાર અને ચોક્કસ માહિતી (ટીપ) આપનાર મુખ્ય સૂત્રધાર સંજય જાદવ પોલીસ પકડથી દૂર હતો.સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટા વરાછા, રંગોલી ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી.પોલીસની જાળમાં વોન્ટેડ આરોપી સંજય જાદવ આવી જતાં તેની ત્વરિત અટકાયત કરવામાં આવી છે.

લૂંટનો પ્લાન ઘડનાર મુખ્ય સૂત્રધાર 

તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી સંજયે જ અન્ય સાગરીતોને ફરિયાદીના લોકેશન અને રોકડની વિગતો આપી હતી. લૂંટના આ ગુનામાં તેની ભૂમિકા અત્યંત મહત્વની હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી, તેને આગળની કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ માટે અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Weather News : ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાતા ઠંડીમાં થયો ઘટાડો, શહેરોના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ




  • Follow us on: