દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે જોવા મળી રહેલા ગાઢ ધુમ્મસના કારણે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સાવા પાટિયા નજીક એક ભયાનક ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક થયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સાવા પાટિયા નજીક એક ભયાનક ત્રિપલ અકસ્માત

મળતી માહિતી મુજબ, મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલું એક કન્ટેનર, જેમાં ચોખા ભરેલા હતા, તે સાવા પાટિયા પાસે અચાનક ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર (રોંગ સાઈડ) જતું રહ્યું હતું. આ દરમિયાન સામેથી આવતા અન્ય એક કન્ટેનર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે કન્ટેનરની પાછળ આવી રહેલી લક્ઝરી બસ પણ તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ રીતે હાઈવે પર બે કન્ટેનર અને એક બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

જાનહાનિ અને નુકસાન

આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે કન્ટેનરમાં ભરેલા ચોખા આખા હાઈવે પર પથરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી હતી.

આ પણ વાંચો: Local Body Elections 2026: શિસ્તભંગ બદલ જસદણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ જયંતી સરવૈયા પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ