કીમ : કીમ ચાર રસ્તા નજીક કીમ-માંડવી સ્ટેટ હાઇવે પર મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, છતાં તંત્રએ ખાડા પૂરવાની તસ્દી નહીં લેતા ગ્રામજનોએ આખરે જાતે જ કોદાળી-પાવડા વડે રસ્તાનું સમારકામ હાથ ધર્યુ હતું. તાજેતરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન રસ્તા પર પાણી ભરાઇ જવાના કારણે વાહનચાલકોને આ મસમોટા ખાડાઓ દેખાતા ન હતા, જેના લીધે અનેક બાઇકચાલકો અકસ્માતોનો ભોગ બન્યા છે. આ અકસ્માતોના ભયાનક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયા છે, જેમાં બાઇકચાલકો ખાડામાં પટકાઇને સંતુલન ગુમાવતા સ્પષ્ટ નજરે પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ખરાબ રસ્તા અંગે સંબંધિત વહીવટી વિભાગને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વાર કોઇ જ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી. તંત્ર માર્ગ વિકાસનાં મોટા મોટા દાવા કરે છે, પરંતુ સ્ટેટ હાઇવેની આવી દુર્દશા જોઇને લાગે છે કે તંત્ર કદાચ કોઇ મોટા અકસ્માતની જ રાહ જોઇ રહ્યું છે.
