આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અસ્મિતાબેન અને એમની આત્મનિર્ભરતાની સફર વિષે જાણતા નવાઈ લાગશે કે, એક ખેડૂત પરિવારમાંથી હોવા છતાં આજે તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવી અન્ય 10 મહિલાઓને પોતાની સાથે આત્મનિર્ભર બનાવી છે. જે આપણા દેશના માનનીય વડાપ્રધાનના "આત્મનિર્ભર ભારત મિશન" ને સાકાર કરે છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2026માં સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સ્થાનિક મહિલા સ્વસહાય જૂથો અને ગ્રામીણ ઉદ્યોગકારોને વૈશ્વિક બજાર સાથે જોડવા પર ભાર મૂકવામાં આવશે. આ મંચ દ્વારા અસ્મિતાબેન જેવી મહિલા ઉદ્યોગકારોને પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાની નવી તકો મળશે.


મધ-ઉછેરથી આત્મનિર્ભરતાની શરૂઆત

ગુજરાતના ચિખલી તાલુકાના સોલધરા ગામમાં જન્મેલ અસ્મિતાબેન અશોકભાઈ પટેલ, ખેડૂત પરિવારમાં ઉછર્યાં. નાનપણથી ખેતી અને પશુ-પાલનનું જ્ઞાન ઘૂંટ્યું. ATD (આર્ટ ટીચર ડિપ્લોમા) ભણતાં ભણતાં પિતાના અવસાનનો ઘા સહ્યો, પરંતુ પ્રગતિશીલ સસરા-સાસુ અને પોતાનો આત્મવિશ્વાસ જ એમની ઢાલ બન્યો. લગ્ન પછી પણ B.A.ની ડિગ્રી મેળવી, જ્ઞાન અને સ્વ-ઉત્કર્ષ ક્યારેય અટક્યો નહીં. ખેતીની આવક માર્યાદિત, ઘર ચલાવવું મુશ્કેલ; આ મુશ્કેલ દૌરમાં વર્ષ 2010-11માં અસ્મિતાબેને મધ-ઉછેરનો (Beekeeping) કોર્સ પૂર્ણ કર્યો. ઘરે જ મધ-ઉત્પાદન શરૂ કર્યું, બજારમાં વેચ્યું. 2014માં નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી બેકરી કોર્સ કર્યો. આ ઉત્સાહ અને ઝોક જ એમની ઓળખ બની ગઈ.

'સહ્યાદ્રી સખી મંડળ' - 10 મહિલાઓ, 1 સ્વપ્ન

2015માં ગ્રામ વિકાસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અસ્મિતાબેને 10 મહિલાઓ સાથે ‘સહ્યાદ્રી સખી મંડળ’ની સ્થાપના કરી. શરૂઆતમાં કેરી, લીંબુ અને કરંડાના અથાણાં અને મોસમી ઉત્પાદનો બનાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. મિશન મંગલમ હેઠળ ₹15,000નું રિવોલ્વિંગ ફંડ મળતાં રાગી (નાગલી) આધારિત ઉત્પાદનો, પાપડ, બિસ્કિટ અને લોટનું ઉત્પાદન શરૂ થયું. ઉત્પાદનો સ્થાનિક, જિલ્લા તથા પ્રાદેશિક કૃષિ મેળાઓમાં પ્રદર્શન અને વેચાણ થવા લાગ્યા. પછી ₹2,00,000ની વ્યવસાયિક હેતુ માટે ધિરાણ મેળવી હળદર પ્રોસેસિંગ અને પીસવાની મશીન ખરીદી, જેના દ્વારા કુદરતી હળદર પાવડરનું ઉત્પાદન શરૂ થયું.

સ્વસહાય જૂથની મહિલાઓ ઘરે બેઠાં મધ પેકિંગ અને પ્રોસેસિંગનું કાર્ય સંભાળે છે

આજે સહ્યાદ્રી સખી મંડળની અન્ય મહિલાઓ સાથે મળીને અસ્મિતાબેને કુદરતી અને હસ્તનિર્મિત ખાદ્યપદાર્થોનું ઉત્પાદન શરુ કર્યું. આજે તેમના સ્વસહાય જૂથની મહિલાઓ ઘરે બેઠાં મધ પેકિંગ અને પ્રોસેસિંગનું કાર્ય સંભાળે છે, જ્યારે અન્ય મહિલાઓ અથાણું, આમળાની કેન્ડી, નાગલીની વેફર અને વાંસના હસ્તકલા ઉત્પાદનો બનાવે છે અને વેચે છે. આ ઉત્પાદનો સ્થાનિક બજારમાં વેચાતાં હોવા ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના સરસ મેળાઓમાં પણ ભવ્ય રીતે રજૂ થાય છે. આજની તારીખે, અસ્મિતાબેનની વાર્ષિક આવક ₹10.20 લાખ છે - એટલે કે, આજે તેઓ માત્ર એક લખપતિ દીદી નથી, પરંતુ તેમના ગામ અને સમુદાયમાં એક માનનીય અને માર્ગદર્શક સ્ત્રી છે. તેઓ આ સફળતાનું શ્રેય મિશન મંગલમ યોજના તથા  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગામડાંની મહિલાઓ સુધી લાભ પહોંચાડવા માટે કરાયેલા પ્રયાસોને આપે છે.

રાષ્ટ્રીય સ્તરે માન્યતા

NRLM (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) હેઠળ અસ્મિતાબેનના કાર્યને કારણે તેમને અનેક પ્રશંસા મળી છે. તેમને માનનીય વડાપ્રધાનને ત્રણ વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાત સરકાર તરફથી "કૃષિ રત્ન પુરસ્કાર" પ્રાપ્ત થયો છે, તેમજ એપ્રિલ 2015માં જિલ્લા કક્ષાએ કૃષિ ટેકનોલોજી વ્યવસ્થાપન એજન્સી - આત્મા એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

સહ્યાદ્રીનો વારસો

અસ્મિતાબેન પટેલની સફર માત્ર વ્યક્તિગત સફળતા નથી; તે ગ્રામિણ અર્થતંત્ર, મહિલા સશક્તિકરણ અને ટકાઉ વિકાસનું મોડેલ છે. સહ્યાદ્રી સખી મંડળ દ્વારા સ્થાનિક કાચા માલ, પરંપરાગત કુશળતા અને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને રોજગાર સર્જનનું અનોખું ઉદાહરણ ઊભું થયું છે. અસ્મિતાબેન ગર્વથી કહે છે, "જેમ એક મજબૂત વૃક્ષના મૂળ એકતામાં હોય અને તેની ડાળીઓ અવસર મળે એમ ફેલાય છે – તેમ આ અમારું જૂથ પણ આજે મજબૂત ઊભું છે." તેમની આ સ્વરોજગારની સફર એ સાબિત કરે છે કે જ્યારે મહિલાઓ એકસાથે જોડાય છે, ત્યારે તેમનો વિકાસ ઘરથી સમાજ સુધી અને ત્યાંથી દેશના દરેક ખૂણાની ધરતી સુધી પહોંચે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અસ્મિતાબેન જેવી “લખપતિ દીદી” ઓને સલામ, જેઓ માટીમાંથી ઉગીને સહ્યાદ્રી જેવી અડગ શક્તિ બની છે અને સમાજમાં પરિવર્તનનું નવું પ્રકરણ લખી રહી છે.


આ પણ વાંચો : Womens Day 2026 : સંકટ સમયની સાચી સખી ‘181 અભયમ’ સેવાના 12 વર્ષ પૂર્ણ


  • Follow us on: