સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં નકલી નોટ વટાવવાના પ્રયાસમાં એક યુવકને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. જાગૃત શાકભાજી વિક્રેતાઓએ આ યુવકને ડુપ્લિકેટ નોટો સાથે પકડી પાડી તેને પોલીસને સોંપી દીધો છે.


સુરતમાં નકલી નોટ વટાવતો યુવક ઝડપાયો

પ્રાથમિક માહિતી મુજબ, લિંબાયતની મદનપુરા શાક માર્કેટમાં આ ઘટના બની હતી. ઝડપાયેલો આરોપી બજારમાં શાકભાજી ખરીદીને નકલી નોટો વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શાકભાજી વિક્રેતાઓને નોટોની ગુણવત્તા પર શંકા જતાં તેમણે યુવકને રોક્યો હતો અને તેની પાસેની અન્ય નોટોની તપાસ કરી હતી, જેમાં મોટાભાગની નોટો ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું. આરોપી નકલી નોટો સાથે ઝડપાતાં સ્થાનિક લોકો અને વિક્રેતાઓ રોષે ભરાયા હતા અને તેમણે યુવકને મેથીપાક આપ્યો હતો. બાદમાં આ મામલાની જાણ લિંબાયત પોલીસને કરવામાં આવી હતી.

લોકોએ યુવકને માર મારી પોલીસને સોંપ્યો

પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવતાં તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે આ નકલી નોટો તેને પશ્ચિમ બંગાળથી આવેલા એક શેઠે આપી હતી અને તેને આ નોટો સાચવીને રાખવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે આ કબૂલાતને ગંભીરતાથી લઈને તપાસની દિશા પશ્ચિમ બંગાળ તરફ વાળી છે. શું આ યુવક માત્ર એક મોહરું છે અને સુરતમાં નકલી નોટોનું મોટું નેટવર્ક સક્રિય છે કે કેમ, તે દિશામાં લિંબાયત પોલીસે ઝીણવટભરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલમાં યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


  • Follow us on: