સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના હાઈવે અને સ્ટેટ હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો જાણે નિર્દોષ નાગરિકો માટે કાળ બનીને ભમી રહ્યા છે. પલસાણા તાલુકાના બગુમરા ગામમાંથી પસાર થતા હલદરું રોડ પર આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. રાજુ ભીખા કોટે નામનો એક સ્થાનિક યુવક હલદરું રોડની સાઈડમાં બનેલી એક સિમેન્ટની પાળી પર સામાન્ય રીતે બેઠો હતો. તે સમયે તેને અંદાજ પણ નહીં હોય કે પૂરપાટ ઝડપે આવી રહેલો એક ટેમ્પો તેનો કાળ બનીને આવી રહ્યો છે.
પાળી તોડીને યુવકને કચડી નાખ્યો, લાઈવ કરુણતા
સામે આવેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ટેમ્પો ચાલકે પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલો ટેમ્પો રોડ છોડીને સીધો સાઈડમાં ઉતરી ગયો હતો અને જ્યાં રાજુ કોટે બેઠો હતો તે પાળી સાથે ધડાકાભેર અથડાયો હતો. ટેમ્પોની સ્પીડ અને ટક્કર એટલી જોરદાર હતી કે રાજુને સંભળવાનો કે ત્યાંથી ભાગવાનો કોઈ મોકો જ ન મળ્યો અને તે ટેમ્પોની અડફેટે આવી જતાં ગંભીર રીતે કચડાઈ ગયો હતો. માથા અને શરીરના ભાગે જીવલેણ ઈજાઓ થવાના કારણે રાજુ ભીખા કોટેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.










