જોરાવરનગર પીએસઆઈ એમ.આર.ગોહીલ, એએસઆઈ કુલદીપસિંહ ચૌહાણ, એચસી જયરાજસિંહ ઝાલા સહિતનાઓને રતનપરના ભકિતનગરમાં આવેલ ગંગોત્રી સ્કુલ સામે રહેતો રવી ભરતભાઈ મકવાણા તેના રહેણાક મકાને વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રવી મકવાણા ઘરમાં પાણીના કેરબામાં છુપાવેલ બીયરના 300 ટીન, 1052 દારૂના ચપલા સહિત રૂપીયા 2,55,400ના મુદ્દામાલ સાથે પકડાયો હતો. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસની સર્વેલન્સ ટીમના ધનરાજસિંહ, અજયસિંહ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન કેરી બજાર પાસેથી એક શખ્સ એકટીવામાં દારૂ સાથેની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં બસ સ્ટેશન પાછળ રહેતો જુનેદ યાકુબભાઈ મોવર દારૂના પ ચપલા સાથે પકડાયો હતો. આ દારૂ જુનેદ કેરીબજારમાં સતાર ભટ્ટીની ઓફીસેથી વેચાણે લાવ્યાનું જણાવતા તેને સાથે રાખી પોલીસે ત્યાં રેડ કરી હતી. જેમાં સતાર મુસ્તાકભાઈ ભટ્ટી દારૂના 1 ચપલા સાથે પકડાયો હતો. જેને વધુ દારૂ અંગે પુછતા તેણે મીલ રોડ પર પાર્ક કરેલ પોતાની કારમાં છુપાવ્યો હોવાનું જણાવતા પોલીસે સતારને સાથે રાખી ત્યાં તપાસ કરી હતી. જેમાં કારમાંથી દારૂના 29 ચપલા મળી આવ્યા હતા. આથી બન્નેને દારૂના 35 ચપલા, એકટીવા, કાર અને 4 મોબાઈલ સહિત 6.07 લાખની મત્તા સાથે ઝડપી લઈ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
