લીંબડી શહેરના છાલીયા તળાવ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં શનીવારે બપોરના સમયે પાંચ યુવાનો ન્હાવા પડયા હતા. જેમાંથી 3નો બચાવ થયો હતો. જયારે શનિવારે સાંજે 16 વર્ષીય તરૂણની લાશ મળી હતી. જયારે રવિવારે સવારે બીજા 21 વર્ષીય યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
લીંબડીમાં રહેતા યુવાનો કિશોરો શનિવારે બપોરે 2-30 કલાક આસપાસ છાલીયા તળાવ પાસે આવેલ નર્મદા કેનાલમાં ન્હાવા પડયા હતા. જેમાં સાંજ સુધીમાં 3 ઘરે પહોંચી ગયા હતા. પરંતુ તેમની સાથે ગયેલા ર યુવાનો ન આવતા તેઓ કેનાલમાં ગરકાવ થયા હોવાનું માની શોધખોળ આદરાઈ હતી. આ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતા દેવાંગભાઈ દુધરેજીયા સહિતનાઓ દોડી ગયા હતા. જેમાં કેનાલમાં શોધખોળ બાદ લીંબડીની દાવલશા શેરીમાં રહેતા 16 વર્ષીય રાહીલ યાસીનભાઈ બેલીમનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે શનીવારે મોડી રાત સુધી અને રવીવારે વહેલી સવારથી બીજા યુવાનની શોધખોળ આદરાઈ હતી. જેમાં રવીવારે સવારે 10-30 કલાકે 21 વર્ષીય જયદીપ દિનેશભાઈ વાઢેરનો મૃતદેહ કેનાલમાંથી બહાર લવાયો હતો. આ બનાવમાં લીંબડી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માતે મોતની નોંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.










