વઢવાણ તાલુકાના વાઘેલા ગામે રહેતા 38 વર્ષીય હંસાબેન કનુભાઈ પઢેરીયા અને તેમની 17 વર્ષીય પુત્રી કિંજલ તા. 16-8ના રોજ સવારે વડીયા ઘરવખરીનો સામાન લેવા જતા હતા. જેમાં વડોદથી એક છકડામાં બન્ને બેઠા હતા. લીંબડી-સાયલા હાઈવે પર ફુલગ્રામ પાસે પહોંચતા એક કાર ચાલકે છકડા સાથે અકસ્માત કરતા છકડો પલટી મારી ગયો હતો. જેમાં માતા-પુત્રી અને છકડા ચાલક લીંબડી તાલુકાના રળોલના ઈસબભાઈ મીયાભાઈ ઢોળીતરને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે તા. 24ના રોજ મોડી સાંજે જોરાવરનગર પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ.જી.પાણકુટા ચલાવી રહ્યા છે. જયારે જામનગરમાં રહેતા 37 વર્ષીય દેવાંગભાઈ નટવરભાઈ ગોહીલ તા. 22ના રોજ પરિવાર સાથે કાર લઈને સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતા. જયાંથી રાતના સમયે પરત રાજકોટ જતા હતા. ત્યારે મોડી રાત્રે સાયલા-ચોટીલા હાઈવે પર હડાળા ગામના બોર્ડ પાસે પસાર થતી કારને પાછળથી એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં કાર ગોળ ફરીને ટ્રકની ખાલી સાઈડ ટકરાઈ હતી. આ બનાવમાં દેવાંગભાઈના માતા ગુણવંતીબેન અને પુત્રી હીયાબેનને ઈજાઓ પહોંચી હતી. બનાવની તા. 23ના રોજ રાત્રે સાયલા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એ.વી.દવે ચલાવી રહ્યા છે. બીજી તરફ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે રહેતા 70 વર્ષીય જોરૂભાઈ વલકુભાઈ ખાચર તા. 20ના રોજ બપોરે ગામ પાદરમાં આવેલ વાડીએથી ચાલીને ઘર તરફ જતા હતા. ત્યારે ગામની સસ્તા અનાજની દુકાન પાસે ધારૈઈ તરફથી આવતી ક્રેટા કારના ચાલકે તેમને ઠોકર મારી હતી. અને કાર ચાલક આણંદપુર તરફ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં જોરૂભાઈને સારવાર માટે જસદણ લઈ જવાયા હતા. બનાવની આણંદપુર પોલીસ મથકે ફરાર કાર ચાલક સામે તા. 23ના રોજ મોડી રાત્રે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ આર.પી.બાવળીયા ચલાવી રહ્યા છે.
