સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાંથી પસાર થતા દુધરેજ-માલવણ હાઈવે પર મોઢવાણા ગામ નજીક એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૂળ પાટણના વતની અને હાલ દુધરેજ ખાતે એક ખેડૂતની વાડી રાખીને ખેતીકામ કરતા શ્રમિક જામાજી કેશાજી ઠાકોર પોતાના વતનથી વ્યવહારિક કામ પૂરું કરીને બાઈક પર દુધરેજ તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર એક કાર ચાલકે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રમિકે દમ તોડ્યો

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને બાઈક બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું, જ્યારે શ્રમિક જામાજીને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત શ્રમિકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક જામાજી ઠાકોરનું કરુણ મોત નીપજ્યું હતું.

મૃતકના પુત્રએ લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પરિવારના મોભી અને કમાઉ સભ્યનું અકાળે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટના અંગે મૃતક શ્રમિકના પુત્રએ લખતર પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. લખતર પોલીસે કાર ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધીને અકસ્માત સંદર્ભે આગળની સઘન તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો