સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે પર દુદાપુર ગામ નજીક મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા તેના ડ્રાઈવરનું કેબિનમાં જ બળીને ખાખ થઈ જવાથી મોત નિપજ્યું છે.
ધ્રાંગધ્રા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, હાઈવે પરથી પસાર થઈ રહેલા બે ટ્રકો સામસામે અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કરની સાથે જ એક ટ્રકમાં શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણના કારણે આગ લાગી હતી. એક ટ્રકમાં કોલસો ભરેલો હતો અને બીજા ટ્રકમાં લોખંડના રોલ ભરેલા હતા. જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગે સેકન્ડોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગમાં ડ્રાઈવરનું શરીર બળીને ભડથું થઈ ગયું
ટ્રકની ટક્કર બાદ કેબિનનો ભાગ સંપૂર્ણ ચેપાઈ ગયો હતો, જેમાં ડ્રાઈવર ખરાબ રીતે ફસાઈ ગયો હતો. આગ લાગતા તેને બહાર નીકળવાની તક મળી નહોતી અને જોતજોતામાં તે આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે ડ્રાઈવરનું શરીર બળીને ભડથું થઈ ગયું હતું.
ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ
ઘટનાની જાણ થતા જ ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાઈવે પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે મૃતક ડ્રાઈવરના દેહને બહાર કાઢી પીએમ (Post-Mortem) અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.
આ પણ વાંચો: Bharuch: કારની પાછળની સીટમાં બેભાન હાલતમાં મળી આવ્યા બાદ યુવકનું મોત, વાગરા પોલીસ તપાસમાં જોતરાઈ