સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના પાટડી નજીક નાવિયાણી ગામ પાસે સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પર સવાર ત્રણ યુવકોને એક અજાણ્યા વાહને જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણેય યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
એરવાડા ગામમાં માતમ
અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવકો એરવાડા ગામના હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે એરવાડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહનની શોધખોળ શરૂ કરી છે.
