ધ્રાંગધ્રાના સીતા દરવાજા પાસે આવેલ મસ્જીદમાં હાલ રમઝાન માસ ચાલતો હોઈ મોટી સંખ્યામાં બીરાદરો નમાઝ અદા કરવા આવે છે. ત્યારે નમાઝ અદા કરવા આવેલ એક નમાઝીએ દુકાન સામે એકટીવા મુકતા વેપારી અને યુવાન વચ્ચે સામ-સામે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ મસ્જીદના ટ્રસ્ટીઓ અને મુસ્લીમ સમાજના આગેવાનોએ પોલીસ મથકે દોડી જઈ આ રસ્તે દબાણોથી રોડ સાંકડા થઈ ગયા હોવાથી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
ધ્રાંગધ્રાની સરકારી હોસ્પીટલ પાછળ આવેલ ફ્રેન્ડસ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય ઝાકીરભાઈ નુરમહમદભાઈ મંડલી સીતા દરવાજા પાસે આવેલ જુમ્મા મસ્જીદ પાસે ફુટ ટ્રાફીક નામની બુટ-ચંપલની દુકાન ધરાવે છે. તા. 27-2ના રોજ સાંજે મહમદ હાસમભાઈ જુણેજા એકટીવા લઈને ત્યાં આવ્યો હતો. અને ઝાકીરભાઈની દુકાન સામે મુકયુ હતુ. આથી આવતા-જતા ગ્રાહકોને એકટીવા નડતરરૂપ ન થાય તે માટે ઝાકીરભાઈ તેને એકટીવા સાઈડમાં મુકવાનું કહ્યુ હતુ. જેમાં મહમદ જુણેજા અને સદ્દામ મહેમુદભાઈ જુણેજા બન્નેએ અપશબ્દો કહી ઝાકીરભાઈ સાથે ઝપાઝપી કરી લાફા ઝીંકયા હતા. જયારે તા. 28-2ના રોજ સવારે મહમદે દુકાને આવી ઝાકીરભાઈને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં ઝાકીરભાઈને સારવાર માટે સરકારી હોસ્પીટલ લઈ જવાયા હતા. જયારે સામાપક્ષે મહમદ જુણેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તા. 27-2ના રોજ સાંજે તેઓ નમાઝ અદા કરવા એકટીવા લઈને મસ્જીદે ગયા હતા. જેમાં ઝાકીર મંડલીની દુકાન સામે એકટીવા મુકતા તેણે વાહન મુકવાની ના પાડી અપશબ્દો કહ્યા હતા. જયારે તા. 28-2ના રોજ બપોરે ફરી એકટીવા મુકતા ઝાકીરે અપશબ્દો કહી ઝપાઝપી કરી મોઢા ઉપર અને શરીરે ઉઝરડા પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે સામ-સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એ.એ.ચીહલા ચલાવી રહ્યા છે. આ બનાવને લઈને મસ્જીદના ટ્રસ્ટીઓ અને મુસ્લીમ સમાજના આગેવાનો પોલીસ મથકે દોડી ગયા હતા. અને રસ્તા પર દબાણોને લઈને રોડ સાંકડા થઈ ગયા હોવાથી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.










