સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના વસ્તડી ગામના પાટિયા પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાજકોટ-લીંબડી હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કાર અને એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર એક વૃદ્ધ મહિલાએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.


શાંતિબેનનું કરૂણ મોત, ત્રણ ઈજાગ્રસ્ત

ઘટનાની મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામનાર વૃદ્ધાની ઓળખ શાંતિબેન કેશુભાઈ તરીકે થઈ છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર અન્ય ત્રણ મહિલાઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને વધુ સારવાર માટે તાત્કાલિક સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો

ભરચક હાઈવે પર અકસ્માત સર્જાવાને કારણે લીંબડી-રાજકોટ માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ લીંબડી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.

પોલીસ તપાસ શરૂ

પોલીસે શાંતિબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરટેક કરવાના પ્રયાસમાં અથવા સ્પીડને કારણે આ અકસ્માત થયો હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે બંને પક્ષના વાહનોના ચાલકોની પૂછપરછ અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Surendranagar : ધ્રાંગધ્રામાં લૂંટ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપી ઝડપાયા


  • Follow us on: