સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વઢવાણ હાઇવે પર આજે એક સ્પીડમાં જતી કિયા કારે બાઇક સવારને ફિલ્મી ઢબે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અમદાવાદ તરફથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી કિયા કારના ચાલકે સામેથી આવી રહેલા બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક ચાલક હવામાં ફંગોળાઈને રોડની બાજુમાં આવેલી ઊંડી ખાઈમાં જઈ પડ્યો હતો.

કારની ટક્કરે બાઇકનું કચ્ચરઘાણ નીકળ્યો

કારચાલક બાઇકને અડફેટે લીધા બાદ પણ તેને આશરે 50 મીટરથી વધુ દૂર સુધી ઢસડી ગયો હતો, જેના કારણે બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ કારચાલક પોતાની ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકની લાશ શોધવા માટે મુશ્કેલી પડી હતી. અંતે લખતરની ગૌશાળાના સેવાભાવી યુવાનોની મદદ લેવામાં આવી હતી. આ યુવાનોએ ઊંડી ખાઈમાં ઉતરીને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ

ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લખતર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ કરવા અને ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો