સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાંથી એક મોટો ખુલાસો સામે આવ્યો છે, જ્યાં ભોગાવો નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનના નેટવર્ક પર પોલીસે અચાનક રેડ કરીને મોટો ખેલ પાડી દીધો છે. લીંબડી લિયાદ ગામની સીમમાં ધમધમતી આ ગેરકાયદેસર લીઝ પર પોલીસે ત્રાટકીને લાખો-કરોડો રૂપિયાની કિંમતના સાધનો જપ્ત કરી લીધા છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી સ્થાનિક ખાણ ખનીજ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.
સ્થાનિક પોલીસ જવાન જ નેટવર્ક ચલાવતો હોવાની શંકા
આ રેડ પાછળ એક ચોંકાવનારી વિગત પણ સામે આવી છે. એવી બાતમી મળી હતી કે, લીંબડી, ચુડા, વડોદ, ઉઘલ અને બોડીયા વિસ્તારમાંથી પસાર થતી નદીના પટમાં એક સ્થાનિક પોલીસ જવાન જ આ આખું ગેરકાયદે ખનીજ ચોરીનું નેટવર્ક ચલાવતો હતો. આ બાતમી મળતા જ લીંબડી પોલીસે પોતે જ કડક વલણ અપનાવીને લિયાદ ગામની સીમમાં રેડ હતો અને ગેરકાયદે ખનન પકડી પાડ્યું હતું.
ખાણ ખનીજ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં
ભોગાવો નદીના પટમાં આટલા મોટા પાયે ગેરકાયદેસર રેતીની લીઝ ધમધમતી હોવા છતાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગે કોઈ પગલાં ન હતા લીધા. જેથી આ વિભાગની મિલીભગત અથવા મીઠી નજર હેઠળ જ આ કરોડોની ચોરી થઈ રહી હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસના આ રેડ બાદ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ સફાળી જાગી છે અને દોડતી થઈ છે.
જેસીબી, હિટાચી અને ડમ્પરો સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસે રેડ દરમિયાન ઘટના સ્થળેથી રેતી ભરવા અને ઉત્ખનન માટે વપરાતા તોતિંગ સાધનો જપ્ત કર્યા છે. જેમાં મોટા ટ્રેલર, ડમ્પરો, જેસીબી અને હિટાચી જેવા ભારે મશીનરી સાધનોનો સમાવેશ થાય છે. પોલીસે કરોડો રૂપિયાની કિંમતની રેતી ચોરી ઝડપી પાડીને તમામ મુદ્દામાલ પોતાના કબજે લીધો છે અને આ કૌભાંડમાં સામેલ તમામ સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surendranagar : ખેડૂતો આકરા પાણીએ, કોંઢ ગામે હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે બબાલ, રાજકોટ તરફ જતો રસ્તો જામ કરી શરૂ કર્યું આંદોલન