સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ખનિજ માફિયાઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે કાયદાનો ડર ઉભો કરવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. થાનગઢના ભાડુલા વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે ખનિજ ચોરી અટકાવવા ગયેલી નાયબ મામલતદારની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આ હુમલાના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.


બસમાંથી ઉતરતા જ પોલીસે દબોચ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરીને ફરાર થઈ ગયેલા આરોપીઓ જયપાલ અલગોતર અને રવિ પરમાર બહારગામ નાસી છૂટ્યા હતા. જોકે, પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આ બંને શખ્સો જ્યારે ચોટીલા હાઈવે પર બસમાંથી નીચે ઉતર્યા, ત્યારે જ પોલીસે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસનો કડક મિજાજ

પકડાયેલા આરોપીઓને લઈને થાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે સ્થળે સરકારી અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાં આરોપીઓએ કેવી રીતે હુમલો કર્યો અને કયા હથિયારોનો ઉપયોગ કર્યો તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહીને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ પગલાથી ખનિજ માફિયાઓમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે, કાયદો હાથમાં લેનારાઓને છોડવામાં આવશે નહીં.

મુખ્ય આરોપી હજુ પણ ફરાર આ સમગ્ર કેસમાં હુમલાનો મુખ્ય સૂત્રધાર અને ખનિજ માફિયા ભરત અલગોતર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસની અલગ-અલગ ટીમો તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, થાનગઢ પંથકમાં કાર્બોસેલ અને માટીની ગેરકાયદે ચોરી વર્ષોથી એક મોટી સમસ્યા રહી છે, અને અધિકારીઓ પર હુમલાની ઘટનાઓએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.


આ પણ વાંચો - Surendranagar News : સુરેન્દ્રનગર ખાતે રાજયકક્ષાનો 10 દિવસીય વન પરિભ્રમણ કાર્યક્રમ’યોજાશે


  • Follow us on: