સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં કાર્યરત 'સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ'માં સોનોગ્રાફીના નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ એક ક્રાંતિકારી અને કડક નિર્ણય લીધો છે. હોસ્પિટલ દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટેના કડક કાયદા PCPNDT Act 1994 ની જોગવાઈઓનું પાલન ન કરાતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેના પરિણામે, હોસ્પિટલનું સોનોગ્રાફી રજીસ્ટ્રેશન (નંબર GJ-13/SNR/PCPNDT/100/2021) કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યું છે.
PCPNDT એક્ટ હેઠળ મશીન સીલ કરાયું
ઉલ્લેખનીય છે કે, અગાઉ શંકાસ્પદ ગેરરીતિઓને પગલે તંત્ર દ્વારા આ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટરે આ મામલે માત્ર વહીવટી કાર્યવાહી જ નહીં, પરંતુ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદાકીય સકંજો પણ કસ્યો છે. હોસ્પિટલના સંચાલકો રાજેશભાઈ ગગાભાઈ ગોજીયા અને વૈશાલીબેન જાડેજા સહિત ગાયનોલોજિસ્ટ ડો. ભવદીપ ગંભીરદાન ગઢવી અને ડો. ગૌતમ ચંદુભાઈ ગવાણીયા સામે JMFC ચોટીલા કોર્ટમાં કમ્પ્લેન કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.













