સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં લાંબા સમયથી વણઉકલ્યા પ્રશ્નોને લઈને સ્થાનિક રહીશોનો ધીરજ ખૂટી છે. ધ્રાંગધ્રાની ગણેશ સોસાયટી વિસ્તારની મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ ગંદા પાણી ભરેલા માટલા ફોડી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
દસ વર્ષથી સુવિધાઓનો અભાવ
ગણેશ સોસાયટી સહિતના આસપાસના વિસ્તારના રહીશોનો આરોપ છે કે છેલ્લા 10 વર્ષથી તેઓ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ખાસ કરીને સોસાયટીના મુખ્ય રસ્તાઓ પર ગંદા પાણી ભરાઈ રહે છે, જેના કારણે રહીશોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. લાંબા સમયથી ભરાયેલા ગંદા પાણીને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, પરિણામે સ્થાનિકોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.










