સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શાપર ઓવરબ્રિજ પાસે પોલીસ વાનનું ટાયર ઓચિંતું નીકળી જતાં વાન પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર પીઆઈ (PI) અને પીએસઆઈ (PSI) સહિત પાંચ પોલીસ કર્મીઓનો ચમત્કારિક બચાવ થયો છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
ઘટનાની મળતી માહિતી અનુસાર, સાયલા પોલીસની ટીમ હાઈવે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોટીલા નેશનલ હાઇવે પર શાપર ઓવર બ્રિજ પાસેથી પસાર થતી વખતે પોલીસ વાનનો ગુટકો તૂટી ગયો હતો. આ યાંત્રિક ખામીને કારણે ચાલુ ગાડીએ એક તરફનું ટાયર નીકળી ગયું હતું, જેને પગલે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી વાન સર્પાકારે રોડ પર રેલાઈને ઓવર બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી.
