ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પિતાના જ ટ્રેક્ટર નીચે આવી જતાં એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની વિગતો મુજબ, કંકાવટી ગામના રહેવાસી 6 વર્ષીય બાળક જગદીશ કોઈ કારણોસર તેના પિતાના ટ્રેક્ટર નજીક હતો.
કંકાવટી ગામમાં ગમગીની
અચાનક જગદીશ ટ્રેક્ટર નીચે આવી ગયો અને ટ્રેક્ટરના વ્હીલ નીચે કચડાતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. પોતાના જ સંતાનનું આ રીતે કરૂણ મોત થતાં પિતા અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર કંકાવટી ગામમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
