ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક અત્યંત કરૂણ અને ગંભીર ઘટના સામે આવી છે. 45 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા એસટી બસના ડ્રાઈવરનું હીટસ્ટ્રોકને કારણે મોત થયું છે. જોકે, મોત પહેલા ડ્રાઈવરે દાખવેલી સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે, અને બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
સમયસૂચકતાએ મુસાફરોના જીવ બચાવ્યા
સુરેન્દ્રનગર ડેપોના ડ્રાઈવર રામદેવસિંહ પરમાર સુરેન્દ્રનગર-રાવળિયાવદર રૂટની બસ લઈને જઈ રહ્યા હતા. રાજસીતાપુર નજીક પહોંચતા જ અચાનક તેઓની તબિયત લથડી હતી. કાળઝાળ ગરમીને કારણે તેઓને હીટસ્ટ્રોક (લૂ લાગવી) જેવી અસર થઈ હતી. પોતાની સ્થિતિ બગડતી જોઈ રામદેવસિંહે તાત્કાલિક બસને રસ્તાની સાઈડમાં સુરક્ષિત રીતે ઉભી રાખી દીધી હતી. જો તેમણે બસ ઉભી ન રાખી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
