સુરેન્દ્રનગરના સારસ્વત નગરમાં રહેતા રિક્ષા ચાલકને ભાડા બાબતે 2 માસ પહેલા થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી 2 પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં મહિલા સહિત 8 આરોપીઓ સામે બી ડીવીઝન પોલીસ મથકે સામ-સામે ફરિયાદ નોંધાઈ છે.


સુરેન્દ્રનગરના નવા 80 ફુટ રોડ પર આવેલા સારસ્વતનગરમાં રહેતા 45 વર્ષીય નરોત્તમભાઈ રામજીભાઈ દલસાણીયા રિક્ષા ચલાવે છે. તા. 2-2-26ના રોજ તેઓને ઉમીયા સોસાયટીમાં રહેતા ગોવિંદ ગજેન્દ્રભાઈ કોળી સાથે ઉપાસના સર્કલ નજીક રિક્ષામાં બેસવાના ભાડા બાબતે બોલાચાલી થઈ હતી. તા. 12-4-26ના રોજ રાત્રે નરોત્તમભાઈ પરિવાર સાથે ઘરે હતા ત્યારે ગોવિંદ ગજેન્દ્રભાઈ કોળી, તેના પિતા ગજેન્દ્ર કોળી, ભાઈઓ બાબુ અને કલ્પેશ સહિતનાઓ હાથમાં પાઈપ લઈને ધસી આવ્યા હતા. અને ભાડા બાબતે કેમ બોલાચાલી કરી હતી તેમ કહી અપશબ્દો કહી, જાતી અપમાનીત કરી નરોત્તમભાઈને લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. જેમાં નરોત્તમભાઈના પુત્રો આશીષ અને જયને પણ પાઈપ વડે માર માર્યો હતો. જેમાં ત્રણેયને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. સામાપક્ષે ગજેન્દ્રભાઈ ઉર્ફે ગજુભાઈ કાનજીભાઈ પાટડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ર માસ પહેલા ગોવિંદ સાથે રિક્ષા ભાડા બાબતે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી તા. 12-4ના રોજ રાત્રે નરોત્તમ દલસાણીયા, તેની પત્ની કંચનબેન, 2 પુત્રો આશીષ અને જય તેમના ઘરે આવ્યા હતા. અને લોખંડના પાઈપ, લાકડાના ધોકા, ધારીયા વડે ગજેન્દ્રભાઈને માર માર્યો હતો. જયારે કંચનબેને ગજેન્દ્રભાઈના પત્નીના વાળ ખેંચી નીચે પાડી દઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે બન્ને પક્ષે મહિલા સહિત 8 આરોપીઓ સામે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: