દસાડા ગ્રામ્યમાં રહેતી 19 વર્ષીય યુવતીને સામેની ગલીમાં રહેતો યુવાન પરેશાન કરતો હતો. આ અંગે યુવતીનો ભાઈ તેને સમજાવવા જતા યુવક અને તેના બાપુજીએ યુવકને લાકડી વડે માર માર્યાની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. દસાડા તાલુકાના એક નાના એવા ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી હાલ ઘરે બેઠા એમ.એ.નો અભ્યાસ કરે છે. છેલ્લા ત્રણેક માસથી તેમની સામેની ગલીમાં રહેતો દીપક રમેશભાઈ સેનવા યુવતી ઘરમાંથી બહાર બજારમાં નીકળે ત્યારે તેનો મોબાઈલ નંબર માંગવાનો પ્રયત્ન કરતો હતો. આ ઉપરાંત ઘરની બારીમાંથી બોલાવવાનો પ્રયત્ન કરતો હતો. ત્યારે યુવતીએ તેના ભાઈ અને પિતાને આ વાત કરતા ત્રણ માસ પહેલા દીપકના ઘરે તેને સમજાવવા ગયા હતા. તા. 8-7ના રોજ સાંજે યુવતી બજારમાં શાકભાજી લેવા જતી હતી ત્યારે દીપકે પાછળ પાછળ જઈ મોબાઈલ નંબર માંગવા હાથથી ઈશારો કર્યો હતો. આથી યુવતીએ ફરી તેના ભાઈને વાત કરી હતી. જેમાં યુવતીઓ ભાઈ દીપકના ઘરે તેને સમજાવવા જતા દીપક અને તેના બાપુજી નટવર નાગરભાઈ સેનવાએ લાકડી વડે યુવતીના ભાઈને મુઢ માર માર્યો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તા. 10ના રોજ સાંજે બજાણા પોલીસ મથકે બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ આર.જે.માલકીયા ચલાવી રહ્યા છે.
