ધ્રાંગધ્રા ગ્રામ્યમાં એક વાડીની ઓરડીમાંથી દારૂના 1462 ચપલા સાથે વાડી માલિક ઝડપાયો હતો. આ દારૂ સોલડીના શખ્સે સંતાડવા આપ્યો હોવાનું ખુલતા બન્ને સામે ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગરની જુની હાઉસીંગ સોસાયટી અને 80 ફુટ રોડ પર આવેલ રામભુમિ કોમ્પલેક્ષની ઓફીસમાં પોલીસે દારૂની રેડ કરી હતી. ત્રણેય દરોડામાં કુલ 4,32,190ની મત્તા જપ્ત કરાઈ છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમીયાન સોલડીથી બાઈસાબગઢના રસ્તે વાડી ધરાવતો ઈશ્વર ઉર્ફે હકો ભગવાનભાઈ ઝેઝરીયા તેની વાડીએ વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂના 1462 ચપલા કિંમત રૂ. 4,02,050ના મળી આવ્યા હતા. જયારે આરોપી ઈશ્વર ઝેઝરીયાની પુછપરછ કરતા આ દારૂ સોલડીનો દિનેશ ઉર્ફે ભુરો ભલાભાઈ ગોલતર સંતાડવા માટે અહીં મુકી ગયોનું જણાવ્યુ હતુ. આથી બન્ને સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે બન્ને સામે ફરિયાદ નોંધી દિનેશ ગોલતરને ઝડપી લેવા વધુ તપાસ આદરી છે. જયારે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસે જુની હાઉસીંગમાં રહેતા હર્ષદ રાજુભાઈ જોશીને તેના ઘર નજીકથી બીયરના 12 ટીન સાથે ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં તે બીયર કૃષ્ણનગરમાં રહેતા આરીફ રસુલભાઈ મીયાણા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે ગુનો નોંધી આરીફને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ એમ.એમ.ઉત્તેળીયા ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકના એમ.એમ.ઉત્તેળીયા, બળદેવસિંહ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન 80 ફુટ રોડ પર આવેલ રામભુમી કોમ્પલેક્ષની એક ઓફીસમાં દારૂનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ધ્રુવરાજસિંહ ઉર્ફે અર્જુનસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા અને બલરાજસિંહ ઉર્ફે લકી હરીશ્વાદ્રસિંહ રાણા વિદેશી દારૂની 5 બોટલ અને 2 મોબાઈલ સહિતની મત્તા સાથે પકડાયા હતા.










