સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના છત્રોટ-વણોદ રોડ, ચોટીલા હાઈવે, લખતર બસ સ્ટેશન રોડ અને સાયલા ગ્રામ્યમાં અકસ્માતના 4 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં સુરતના યુવાનનું બાઈક સ્લીપ થતા પાણી ભરેલ ખાડામાં ડુબી જતા મોત થયુ છે. જયારે રાજકોટના કીચનવેરના વેપારી, તેમની પત્ની અને 11 વર્ષીય પુત્રને ઈજાઓ પહોંચી છે. બીજી તરફ સુરેન્દ્રનગરના રતનપરના માતા-પુત્ર પણ ઘવાયા છે. પોલીસે અકસ્માતની ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના મીઠીખાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય વિજયકુમાર ઉર્ફે રાજકુમાર રામકૈલાસ વર્મા તા. 16-11ના રોજ રાત્રે બાઈક લઈને દસાડા તાલુકાના છત્રોટ ગામે તેમના સગાને ત્યાં આવ્યા હતા. જયાં રાત્રી રોકાણ કરી તા. 17-11ના રોજ સવારે વણોદ ગામ તરફ બાઈક લઈને જતા હતા. ત્યારે વીલ્સ ઈન્ડીયા કંપની સામે હાઈવે પર અચાનક તેઓએ બાઈક પરથી કાબુ ગુમાવતા નીચે પટકાયા હતા. જેમાં પાણી ભરેલા ખાડામાં તેઓ પડતા સારવાર માટે દવાખાને લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં મૃતકના પત્ની વંદનાબેને દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી બી.જે.પરમાર ચલાવી રહયા છે. જયારે રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ ભારતીનગરમાં રહેતા 48 વર્ષીય ઉમેશભાઈ ભગવાનજીભાઈ તંતી કિચનવેરનો વેપાર કરે છે. તા. 16-11ના રોજ તેઓ અમદાવાદના ઉજાલા સર્કલથી કાર ભાડે કરી પરિવાર સાથે રાજકોટ આવતા હતા. જેમાં કારની પાછળની સીટમાં તેઓ, તેમના પત્ની હર્ષાબેન અને પુત્ર કીયાન બેઠો હતો. ત્યારે ચોટીલા હાઈવે પર રસ્તાની કટમાંથી એક કાર અચાનક ઉમેશભાઈની કાર સામે આવી જતા અકસ્માત થયો હતો. જેમાં દંપતી અને 11 વર્ષીય કીયાનને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ બનાવમાં અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી વી.એસ.ભુવાત્રા ચલાવી રહ્યા છે. બીજી તરફ તા. 19ના રોજ સરખેજ મોટર ટ્રાન્સપોર્ટનું ટેન્કર સુરેન્દ્રનગરથી બહુચરાજી જતુ હતુ. જેમાં બહુચરાજીની ફેકટરીમાંથી ટુ-વ્હીલર લાવવાના હતા. ત્યારે લખતર બસ સ્ટેશન રોડ પર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર રસ્તાની સાઈડમાં ઉતરી ગયુ હતુ. બનાવની જાણ થતા લખતર પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ટેન્કરની રસ્તાની સાઈડમાંથી બહાર કાઢી રસ્તા પર લવાયુ હતુ. જોકે, આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો