સુરેન્દ્રનગર મહાનગરપાલીકાની સામાન્ય સભામાં સોમવારે મનપાના કમીશ્નર અને મેયરની હાજરીમાં પંડીત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે મળી હતી. જેમાં મહાનગરપાલીકાની 12 કમીટીના ચેરમેનના નામોની જાહેરાત અને વિવિધ વિકાસના કામોને બહાલી અપાઇ હતી. હવે મનપામાં ચેરમેનોને જવાબદારી સોંપાતા શહેરમાં વિકાસના કામોને વધુ વેગ મળશે. સુરેન્દ્રનગર મહાનગરપાલીકાની રચના બાદ પ્રથમ ચૂંટણી ગત એપ્રીલ માસમાં યોજાઈ હતી. જેમાં મહાનગરપાલીકાની 52માંથી 51 બેઠકો પર કબજો કરી ભાજપ સત્તાસ્થાને બીરાજયુ છે. સત્તા હાંસલ કર્યા બાદ ભાજપે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, દંડક સહિત પ હોદ્દેદારોની વરણી કરી હતી. પરંતુ અન્ય ચેરમેનોને જવાબદારી સોંપવાની બાકી હતી. ત્યારે તા. 27-7ને સોમવારે મહાનગરપાલીકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયાના માર્ગદર્શન હેઠળ મનપાની સામાન્ય સભા બાદ જિલ્લા મહામંત્રી નરેશભાઇ પટેલ અને શહેર પ્રમુખ દેવાંગભાઇ રાવલે મનપાની 12 વિવિધ કમીટીના ચેરમેનોના નામની જાહેરાત કરી હતી. કમીટીમાં અગાઉ પાલીકાના જુના અનુભવીને પણ તક મળી છે અને નવા લાયક ચહેરાને પણ તક મળતા આનંદ વ્યકત કર્યો હતો. બીજી તરફ સામાન્ય સભામાં નવા વિકાસના કામો અને પાંજરાપોળ સાથે પશુનિભાવ માટે એમઓયુ કરવા, નિમણુંક પત્રો આપવા સહિતના કામોને બહાલી પણ અપાઇ હતી. આ પ્રસંગે કમીશ્નર જે.કે.જાદવ, મેયર રાકેશભાઇ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મીતાબેન રાવલ, સ્ટેન્ડીંગ ચેરમેન નિખીલભાઇ ચાંપાનેરી સહિત કોર્પોરેટરો અને મહાનગરપાલીકાની વીવીધ શાખાના અધીકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો